અભિનંદન!

Toppers

વિદ્યુત બોર્ડ વિદ્યાલય પર આપનું સ્વાગત છે

Herin sir

વ્હાલા વિદ્યાર્થીમિત્રો તેમજ વાલીગણ,
કોરોનાનો કપરો કાળ આપણે હમણાં જ પસાર કર્યો. પ્રત્યેક વિપત્તિ હંમેશા કશુંક શીખવીને જતી હોય છે. આપણે પણ ઘણું શીખ્યા. ઓછી આવકમાં, ઓછી સગવડો સાથે કેવી રીતે જીવવું એ સમજાયું. મક્કમ મનોબળ સાથે દરેક પ્રકારની વિપરીત પરિસ્થિતિનો સામનો કરવા માટે આપણે સૌ સજ્જતા કેળવી શક્યા, એને હું ઈશ્વરની કૃપા જ માનું છું.
વિતેલા બે વર્ષ દરમિયાન અભ્યાસની પદ્ધતિ માં ધરમૂળથી બદલાવ આવી ગયો. ઓનલાઇન શિક્ષણ થકી જ્ઞાન પ્રાપ્ત કરવાના અને જ્ઞાન આપવાના બંને પક્ષોના પ્રયાસો પ્રસંશનીય છે. બદલાઈ રહેલા સામાજિક ટેકનોલોજીક માળખાને અનુરૂપ શિક્ષણ પ્રદાન કરવા માટે અમો પણ સતત સજાગ રહ્યા છીએ. કોરોના ને લીધે શાળા સંકુલ બંધ રહે, પરંતુ શિક્ષણનો પ્રવાહ ના અટકે એ માટે આપણે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રાખ્યું અને વિદ્યાર્થીઓએ પણ તેને હોંશભેર અપનાવ્યું. સતત શીખતા રહેવાની તેમની આ આતુરતા ને સલામ. બસ, શિખતા રહેવાની આ ધગશ જ તમને જીવનમાં સફળતાના ઉચ્ચ શિખરો તરફ દોરી જવાની છે. સ્વામી વિવેકાનંદના પેલા પ્રસિદ્ધ અવતરણને યાદ કરો - ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મચ્યા રહો. તમે ભીતરમાં થી બહારની તરફ વિકસિત થવા માટે સર્જાયા છો.
આગામી વર્ષ આપણી શિક્ષણ પ્રણાલી માટે પણ ક્રાન્તિકારી સાબિત થવાનું છે. શિક્ષણ સુધારણાના હેતુ અર્થે જે બદલાવ આવી રહ્યા છે, તેમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા સાથે શાળામાં ઉત્સાહપ્રેમરક વાતાવરણ સર્જી બાળકમાં રહેલી વિશિષ્ટ પ્રતિભા ને પારખીને તેનો વિકાસ કરવામાં શાળા અને શિક્ષકો મદદરૂપ સાબિત થશે તો સોનામાં સુગંધ ભળશે અને એ માટે પણ શાળાપરિવાર સજ્જ છે. ભવિષ્યના ઉમદા નાગરિકો તૈયાર કરવાની અમારી ભૂમિકાને ન્યાય આપવા અમે સતત પ્રયત્નશીલ છીએ.
વિખ્યાત વૈજ્ઞાનિક ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું સરસ ક્વોટ છે - “Education is not the learning of facts, but the training of the mind to think” વિચાર કરવાની કળા શીખવે એ શિક્ષણ. મને આનંદ છે કે આપણે અહીં શિક્ષણ સાથે આ કેળવણી પણ પામી રહ્યા છીએ. આપણી શાળાના બાળકોને તાલીમ જ એવી સરસ મળે છે કે તેઓ અભ્યાસક્રમને ગોખી જતા નથી, પરંતુ તેને પચાવી ને જીવનોપયોગી બાબતો પણ શીખતા રહે છે. સતત નવું વિચારતા રહેવું એ બાળકની પ્રકૃતિ છે અને શિક્ષકો તેને ઉદીપન આપે એવું અદભૂત આયોજન અહીં સર્જા છે.
હવે કોરોના ની કપરી રાત વિતી છે અને સોનેરી સુરજ ઉગ્યો છે. નવી આશા, નવા સપનાઓ સાથે આપણે મચી પડવાનું છે. આ ”ન્યુ નોર્મલ” માં નવા જોમ સાથે, નવા ઉમંગ સાથે આપ મા શારદાના ધામ સમાન વિદ્યુત બોર્ડ વિદ્યાલય માં પ્રવેશ કરી રહ્યા છો તે તકે હું આપને હૃદય પૂર્વક આવકારું છું અને આપ જીવનના ઉચ્ચ આદર્શોને આત્મસાત કરી નિર્ધારેલા આ લક્ક્ષ્યોને સિદ્ધ કરો અને જીવનમાં કોઈપણ તબક્કે, ક્યાંય પાછા ન પડો એવી શુભકામનાઓ પાઠવું છું


શ્રી હેરીન પી. કોઠારી
ચેરમેનશ્રી, શાળા સમિતિ,
વિદ્યુત બોર્ડ વિદ્યાલય
વડોદરા- ૩૯૦૦૦૭.